Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતની જનતાને ખતરનાક સંદેશ: બિલકીસના ગુનેગારોની મુક્તિ સાવરકરની વિચારધારાને અનુરૂપ છે!

ગુજરાતની જનતાને ખતરનાક સંદેશ: બિલકીસના ગુનેગારોની મુક્તિ સાવરકરની વિચારધારાને અનુરૂપ છે!

0
153

ગાંધીનગર: એક વખત ફરીથી ગુજરાત સરકાર ચૂંટણી જીતવા માટે વર્તમાનમાં રહેલી અનેક સમસ્યાઓથી હટીને અલગ જ તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાત સરકારે ગુજરાતની જનતાને અને તેમના સમર્થકોને એક અલગ સંદેશ પણ આપી દીધો છે. સ્વભાવિક રીતે જોઈએ તો ગુજરાતમાં પાછલા 25થી પણ વધારે સમયથી ભાજપ મુસ્લિમોનો ડર બતાવીને અને હિન્દુત્વના રક્ષણની વાતો કરીને જીતતી આવી છે.

તેથી પાછલા 25 વર્ષો દરમિયાન ગુજરાતમાં અનેક સમસ્યાઓનો જન્મ થઈ ગયો છે. બેકારી-મોંઘવારી-ખેડૂતોની કફોડી સ્થિતિ, પિવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા, શિક્ષણનું ખાનગીકરણ, સરકારી શાળાઓની કફોડી સ્થિતિ, મધ્યમ વર્ગનું ગરીબી તરફ પ્રયાણ વગેરે જેવી અનેક સમસ્યાઓથી લોકો ઝઝૂમી રહ્યાં છે.

આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારની ખરાબ નીતિઓના કારણે પાણીની વિકટ સમસ્યાનું પણ ઉદ્દભવ થયું છે. તેથી આગામી ચૂંટણી જીતવા માટે બીજેપીએ સમસ્યાઓને ઉકેલવાની જગ્યાએ અને સમસ્યાઓથી બધાનો ધ્યાન ભટકાવવા માટે પોતાનો પરંપરાગત પ્લાન જ અપનાવી લીધો છે. તે પ્લાન છે ધર્મના નામે ભાગલા પાડો અને રાજ કરો…

આ નીતિ હેઠળ જ 1992ની માફ કરવાની નીતિનો ઉપયોગ કરીને બિલકીસ બાનો સાથે સામૂહિક બળાત્કાર કરનારા અને તેના પરિવારના સાત લોકોને હિચકારી રીતે મોતને ઘાટ ઉતારનારા નરાધમોને માફ કરી દેવામાં આવ્યા છે. આ સાત લોકોમાં એક ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ હત્યારાઓ એટલા બેરહેમ છે કે તેમણે ફૂલ જેવી ત્રણ વર્ષની બાળકી ઉપર પણ રહેમ કર્યો નહીં અને કંસની જેમ તે બાળકીને જમીન ઉપર પટકી-પટકીને તેની હત્યા કરી દીધી હતી.

બિલકીસ બાનુંની જગ્યાએ તેમે તમારી જાતને મૂકીને વિચારો કે તમારા પરિવારના સાત સભ્યો અને તમારા દિલના ટૂકડા સમાન દિકરીની કોઈ પાશવી હત્યા કરે તો તેને તમે ક્યારેય માફ કરી શકો ખરા…? કોઈ પણ દેશનો કાયદો આવી હિચકારી હત્યાઓ કરનાર અને અનેક મહિલાઓ સાથે બળાત્કાર કરનારને સમાજ માટે ખતરારૂપ જ ગણે અને તેને ક્યારેય માફ કરે નહીં પરંતુ ભારત પર રાજ કરનારા તાનાશાહો સમાન સત્તામાં બેસેલા લોકો પોતાના ફાયદા માટે આવું કરીને ઈતિહાસમાં ભારતના માથે એક કલંક લગાવીને એક નવું ચેપ્ટર શરૂ કરી દીધો છે.

આ પણ વાંચો: ગોધરા બીજેપી MLA સી કે રાઉલજીએ કહ્યું- “બિલકીસ બાનોના રેપિસ્ટ બ્રાહ્મણ છે, તેમના સારા સંસ્કાર છે”

ગુજરાતમાં આગામી ચૂંટણીમાં હિન્દુત્વની લહેર ઉભી કરવા માટે કારસો રચાઈ રહ્યો છે. તેથી હાલથી હિન્દુ ધર્મને લજવતી અને હિન્દુત્વના નામે ઉભી થયેલી સંસ્થાઓ આવા બળાત્કારીઓનો ફૂલહાર પહેરાવીને સન્માન કરી રહી છે, તો બીજેપીના ધારાસભ્યો તેને સમર્થન આપી રહ્યાં છે.

ગુજરાત સરકાર આવા ખતરનાક આરોપમાં સજા કાપી રહેલા આરોપીઓને માફ કરીને ખુબ જ ભયંકર સંદેશ આપવા માંગી રહી છે. હિન્દુત્વના નામે તેઓ હિન્દુઓને અને તેમના બાળકોને આરોપી બનાવવા માટે હાંકલ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જાણે બીજેપી કહેવા માંગી રહી છે કે તમે મુસ્લિમોનું કત્લે-આમ કરો અમે તેમને માફી આપી દઈશું.

બિલકીસ બાનું કેસના આરોપીઓને છોડીને બીજેપી હિન્દુઓને ખુશ કરવા માંગે છે અને આગામી ચૂંટણી જીતવા માંગે છે અને જો ખરેખર બીજેપી આવા કોમવાદના મુદ્દાને આગળ ધરીને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી જાય છે તો પછી ગુજરાત સહિત આખા દેશનું ભવિષ્ય અંધકારમય બની જશે.

દેશની મહત્વપૂર્ણ સમસ્યાઓ વધારે ઘેરી બનશે અને લોકોનું જીવન નર્કથી પણ વધારે ખરાબ થઈ જશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, ત્યારે બીજેપી હિન્દુઓને ખુશ કરવા માટે હિન્દુત્વવાદી મુદ્દાઓને ઉઠાવતી આવી છે. તે આવા મુદ્દાઓ થકી ચૂંટણી જીતવા માટે એક અલગ જ માહોલ ઉભો કરી દે છે.

બળાત્કાર અને મર્ડરના હત્યારાઓનું કોણ સ્વાગત કરે છે? અત્યાર સુધી તમે ક્યારેય જોયું કે સમાજમાં હત્યા કે બળાત્કાર કરનારા લોકોને માન-સન્માન આપવામાં આવ્યું હોય? પરંતુ બીજેપી અને હિન્દુત્વના નામે ચાલતા રાજકીય સંઘો આવું ચોક્કસ કરે છે. કઠૂઆ-હાથરસ અને ઉન્નાવમાં પણ ભાજપ દ્વારા આરોપીઓનું સન્માન કર્યું અને તેમને બચાવવા માટે કામ કર્યું છે.

બીજેપી સમાજને એક અલગ જ રસ્તા પર લઈ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ આગામી પેઢીને વૈશી અને હત્યારી અને સંકૂચિત માનસિકતાવાળી બનાવવા માંગતી હોય તેવું દેખાઈ રહ્યું છે. માનવ ધર્મને છોડીને તેઓ પોતાની રાજકીય સત્તાને બચાવવા માટે ધર્મના આડંબર રચીને લોકોને પોતાની જાળમાં ફસાવીને એક આખી પેઢીને આંશિક રીતે ખતરનાક રૂપ આપવામાં આવી રહ્યું છે.

ધ હિન્દુના અહેવાલ મુજબ, ભાજપના ધારાસભ્યો સીકે ​​રાઉલજી અને સુમન ચૌહાણ ગોધરાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સુજલ મિત્રાની આગેવાની હેઠળની સમિતિના ભાગ હતા, જેમણે દોષિતોને માફીની ભલામણ કરવા માટે “સહમતિથી નિર્ણય” લીધો હતો.

સમિતિના અન્ય બે સભ્યો પણ ભાજપ સાથે જોડાયેલા છે. ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે, તેઓ સામાજિક કાર્યકર અને ભાજપના ગોધરા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મુરલી મૂળચંદાણી અને ભાજપની મહિલા પાંખના કાર્યકર સ્નેહા બેન ભાટિયા છે. ગુજરાત સરકારે આ સમિતિની ભલામણનો સ્વીકાર કર્યા પછી 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

બિલકીસ કેસ: 6 હજારથી વધારે લોકોએ આરોપીઓની સજા માફ કરવાનો નિર્ણય રદ્દ કરવાની કરી માંગ

ગુજરાત સરકારે 2002માં બિલ્કીસ બાનો અને અન્ય મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરનાર અને બિલ્કિસની 3 વર્ષની પુત્રી, સાલેહાની હત્યા કરનારા 11 ગુનેગારોને મુક્ત કરીને ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી.

સાવરકરની વિચારધારા પ્રમાણે મુસ્લિમ મહિલાઓ સાથે બળાત્કાર કરવો ગુન્હો નથી

તે બધા મુક્ત થવાને લાયક હતા કારણ કે છેવટે તેઓએ મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો અને મુસ્લિમોને મારી નાખ્યા હતા, જેમ કે વીર સાવરકરની ઇચ્છા હતી. આને ગુનો કેવી રીતે કહી શકાય? સાવરકરના મતે તે એક રાજકીય અથવા વૈચારિક ક્રિયા હતી.

સરકારોએ સાવરકરને અન્ય કોઈપણ વર્ષ કરતાં આ વર્ષે ભારતીય આઝાદીના મુખ્ય નાયક તરીકે રજૂ કર્યા. તેમની વિચારધારા આજના ભારતીય રાજ્યની સત્તાવાર વિચારધારા છે. વીર સાવરકરે તેમના પુસ્તક ‘6 ગ્લોરિયસ ચેપ્ટર્સ’માં બળાત્કારને રાજકીય હથિયાર તરીકે ન્યાયી ઠેરવ્યો છે.

મુક્ત થયા પછી એક આરોપીએ એમ પણ કહ્યું કે આ બધાને તેમની રાજકીય વિચારધારાને કારણે સજા કરવામાં આવી છે. તે કદાચ એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તેણે કોઈ ગુનો કર્યો નથી, માત્ર સાવરકરની રાજકીય વિચારધારાને અમલમાં મૂકી છે.

અખબારના જણાવ્યા મુજબ, બળાત્કાર અને હત્યા સમયે તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા, જે પાર્ટીના સાવરકર વૈચારિક ગુરુઓમાંના એક છે. તેમના દ્વારા પ્રચારિત વિચારધારા અનુસાર મુસ્લિમોની હત્યા અને મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર કાયદેસર છે અને તે થવું જોઈએ જેથી તેઓ હિન્દુઓ સાથે આવું ન કરે.

મુસ્લિમ હત્યારાઓ અને બળાત્કારીઓને જેલમાંથી મુક્ત કરવાથી ભારતીય જનતા પાર્ટીની સરકારો દ્વારા ઉજવવામાં આવતા અમૃત મહોત્સવનો અર્થ સ્પષ્ટ સમજાય છે. આ અમૃત કોના માટે છે અને આ ઝેર કોના માટે છે?

તેમાં કોઈ વિડમ્બના નથી કે આ અપરાધીઓને સમયથી પહેલા મુક્તિ માટે જે કારણ બતાવવામાં આવ્યા છે તેમાં એક અપરાધની પ્રકૃતિ પણ છે! જે અપરાધને તમે જઘન્ય, અક્ષમ્ય કહેશો તેને ગુજરાત સરકારે આ આરોપીઓને સ્વતંત્રતા દિવસનો અમૃતદાન આપવા યોગ્ય માની લીધા.

પંચમહાલની જેલ એડવાઇઝરી કમિટીના સર્વાનુમતે નિર્ણય બાદ રાજ્ય સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવ્યા બાદ સજામાં આ અસાધારણ છૂટછાટ આપવામાં આવી છે. જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં 8 સભ્યો હતા. જેલ, પોલીસ, સ્થાનિક ન્યાયતંત્ર, સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ઉપરાંત બે જનપ્રતિનિધિઓ આ સમિતિના સભ્યો હતા. તેઓ બંને ભાજપના છે તેથી તેમની વિચારધારા વિશે કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ બાકીના 6 અધિકારીઓ પણ 15 ઓગસ્ટના રોજ આ રિલીઝની તરફેણમાં હતા.

આના પરથી તમે કલ્પના કરી શકો છો કે સાવરકર વિચારધારા કેટલી સહજ બની ગઈ છે. આપણે તેનો અનુમાન લગાવી શકીએ છીએ કે, આમાંથી મોટા ભાગના લોકો બળાત્કારીઓને ફાંસી લગાવવાનો નારો લગાવશે. આપણા દેશમાં હત્યાને એટલો મોટો અપરાધ ગણવામાં આવતો નથી જેટલો મોટો બળાત્કારના ગણવામાં આવે છે. તો પછી આ સમિતીના સભ્યોએ આઝાદીના 75માં વર્ષના અવસરે તેમના પ્રત્યે ઉદારતા કેમ દાખવી?

છ વર્ષની લાંબી અને સંઘર્ષપૂર્ણ લડાઈ પછી મેળવ્યો હતો બિલકાસે ન્યાય

ગોધરાકાંડ પછી ફાટી નિકળેલી હિંસાથી બચવા માટે બિલકીસબાનોનો પરિવાર ભાગતો-ભાગતો ત્રણ માર્ચે છપરવાડા ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમને લાકડીઓ-ધારીયા અને તલવારો સાથે એક ટોળાએ ઘેરી લીધા હતા. આ ટોળાએ બિલકીસ અને અન્ય ત્રણ મહિલાઓ સાથે બળાત્કાર કર્યો. બિલકીસની ત્રણ વર્ષની પુત્રી સાલેહાને માથું પટકી-પટકીને મારી નાંખવામાં આવી અને પરિવારના 14 લોકોની હત્યા કરી દેવામાં આવી. તેમાંથી 6 લોકોની લાશો પણ ના મળી.

બેહોશ બિલકીસ બચી ગઈ. એક આદિવાસી મહિલાએ તેને શરીર ઢાંકવા માટે કપડૂ આપ્યું. એક હોમગાર્ડની મદદથી તે લિમખેડા પોલીસ સ્ટેશન પહોંચી. તેને રિપોર્ટ લખાવવાની કોશિશ કરી પરંતુ જેવી રીતે સીબીઆઈએ લખ્યું- હેડ કોન્સ્ટેબલ સોમા ભાઈ ગોરીએ તથ્ય દબાવી દીધા અને તેમને તોડી-મરોડીને નોંધ્યા અને અડધી-અધૂરો રિપોર્ટ લખ્યો.

જ્યારે બિલકીસ ગોધરા રાહત શિબિર પહોંચી અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે તેનો કેસ હાથમાં લીધો ત્યારે ન્યાયની સાચી લડાઈ શરૂ થઈ,જેમાં ગુજરાત પોલીસે રોડા નાંખવાની અનેક કોશિશો કરી અને વારંવાર તપાસ બંધ કરવા માટે રિપોર્ટ દાખલ કરતી રહી.

તે સમય બીજો હતો. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં માનવ અને અધિકાર બંનેનો ભાવ જીવંત હતો. ગુજરાતના સરકારી તંત્રએ બિલકીસના આરોપીઓને બચાવવાની ભરપૂર કોશિશ કરી. પરંતુ જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ ન્યાયની સર્વોચ્ચતા અને તેને નિશ્ચિત કરવાના પોતાની જવાબદારીનો ખ્યાલ હતો તેથી અનેક બીજા કેસોની જેમ જ આને પણ ગુજરાતથી હટાવીને મહારાષ્ટ્રમાં લઈ જવાનો હુકમ કરવામાં આવ્યો. બિલકીસને આરોપી જીવથી મારી નાંખવાની ધમકી આપી રહ્યાં હતા.

6 વર્ષના કઠિન સંઘર્ષ પછી બિલકીસને ન્યાય મળ્યો હતો. આ 6 વર્ષોમાં તેને અને તેના પતિને વારંવાર શહેર બદલવા પડ્યા. છૂપાઈને જીવન જીવવું પડ્યું. દેશભરના માનવાધિકાર કાર્યકર્તાઓએ તેને ન્યાય મળે ત્યાર સુધીને છૂપાવીને રાખ્યા હતા. આ તમામ લોકો હિન્દૂ જ હતા અને તેઓ બિલકીસની સાથે-સાથે હિન્દૂત્વને બચાવવાની કોશિશ કરી રહ્યાં હતા. તેઓ હિન્દૂ ધર્મના સાચા સંસ્કારોને પોતાની આગામી પેઢીને આપવાની અને સત્યને બચાવવાની કોશિશ કરી રહ્યાં હતા.

જોકે, વર્તમાન સમયમાં સાવરકરવાદીઓની સરકારમાં તો સત્ય નહીં પરંતુ જૂઠનો જ વિજય થતો જોવા મળી રહ્યો છે. ભારતમાં હવે ગાંધીની જગ્યાએ સાવરકરની વિચારધારા વધારે પ્રબળ બની રહી છે. એક તરફ એવા હિન્દૂ છે જેઓ સત્યને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે તો બીજી તરફ સત્તાધીશો સત્તાની લાલશામાં પોતાની બધી જ હદ્દો પાર કરીને ધર્મના નામે દેશને બે ભાગમાં વહેંચી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat