Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભાજપ પાસે સામે ચાલીને આવી “ગુજરાત 2022″ની ચૂંટણી જીતવાની સોનેરી તક

ભાજપ પાસે સામે ચાલીને આવી “ગુજરાત 2022″ની ચૂંટણી જીતવાની સોનેરી તક

0
178

વિશાલ મિસ્ત્રી: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાત સહિત દેશભરના લોકોની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ઉપર છે. કોંગ્રેસ-બીજેપી અને આમ આદમી પાર્ટીએ પોત-પોતાની રીતે ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં 2022ની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ તે ચોક્કસ રીતે મોંઘવારીના સમયમાં જે પાર્ટી લોકોની માંગણીઓને સંતોષવા અને મોંઘવારી સહિતની સમસ્યાઓને દૂર કરવાની વાત કરશે તે બાજી મારી શકે છે.

ચૂંટણી જીતવા માટે પ્રચાર ઉપરાંત ગ્રાઉન્ડ લેવલે થતી કામગીરીઓ આપ-કોંગ્રેસ અને બીજેપી તરફથી શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ગુજરાતમાં ત્રિકોણીયો જંગ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને પાંચથી વધારે ગેરંટીઓ આપી છે અને તે દરેક સામાન્ય વ્યક્તિના જીવનને સ્પર્શે છે. આપ તરફથી યુવાઓથી લઈને મહિલાઓને તેમની યોજનાનો લાભ મળે તેવી જાહેરાતો કરી છે. તો બીજી તરફ કોંગ્રેસે પોતાની સરકાર બને તો ખેડૂતોના ત્રણ લાખ સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. જોકે, બીજેપી તરફથી અત્યાર સુધીમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી.

ભાજપ સરકારે 2022ની ચૂંટણી જીતવા માટે અથાગ મહેનત કરવી પડી શકે છે. કેમ કે કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ પણ પોતાની બધી જ શક્તિ સાથે ચૂંટણી જીતવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. તેવામાં આગામી ચૂંટણી બીજેપી માટે સરળ રહેશે નહીં. ગત્ત ચૂંટણીમાં પણ બીજેપી પોતાના ઓવર કોન્ફિડન્સમાં અનેક સીટો ગુમાવી દીધી હતી, તો બીજી તરફ હવે બીજેપીએ અત્યાર સુધીમાં આપેલા વચનો પાળવામાં તે સફળ રહી નથી તેવામાં ગુજરાતીઓનો બીજેપી પ્રત્યેનો વિશ્વાસ ઓછો થયો છે. તો બીજી તરફ અરવિંદ કેજરીવાલના રૂપમાં તેને એક નવો રસ્તો દેખાઈ રહ્યો છે.

બીજેપી અત્યાર સુધી હિન્દુત્વના મુદ્દા થકી ગુજરાતમાં ચૂંટણી જીતતી આવી છે પરંતુ વર્તમાનમાં મોંઘવારી-બેકારી-શિક્ષણનું કથડતું સ્તર અને પાણીની સૌથી મોટી સમસ્યા તેના જીતની વચ્ચે આવી શકે છે. તે ઉપરાંત બીજેપીના 25 વર્ષથી વધારે શાસન દરમિયાન ગુજરાતમાં પાણીનો પ્રશ્ન વિકટ બની ગયો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સિંચાઈના પાણીની અથાગ તંગી છે. હજારો હેક્ટર જમીન ઉપર માત્ર ચોમાસમાં જ ખેતી થઈ શકે છે. તેવામાં આગામી દિવસોમાં તે સમસ્યા વધારે ઘેરી બને તેવું દેખાઈ રહ્યું છે.

પાણીની સમસ્યા પાછળ ગુજરાત સરકારની ખરાબ નીતિ પણ ક્યાંકને ક્યાંક જવાબદાર છે. કેમ કે, ગુજરાત સરકારે ડેમમાં આવતા વધારાના પાણીના સુવ્યવસ્થિત ઉપયોગ માટે અત્યાર સુધી ક્યારેય વિચાર કર્યો જ નથી. તેવામાં આગામી ચૂંટણીમાં જો ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતમાં જીત મેળવવી છે તો તેમની ભૂતકાળમાં કરેલી ભૂલોને સુધારીને હાલથી પાણીની બનેલી વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે કામગીરી શરૂ કરવી પડશે.

બીજેપીને ચૂંટણી જીતવા માટે સૌથી પહેલા તો ગુજરાતના સૌથી મોટા પ્રશ્ન એવા પાણીની સમસ્યાને દૂર કરવી જોઈએ. જેની તક તેને સારા ચોમાસાએ આપી દીધી છે. ગુજરાતમાં આ વર્ષે સારો એવો વરસાદ પડ્યો છે તેના કારણે હાલમાં પાણીની કોઈ જ તંગી નથી. ડેમ ભરાઈ ગયા છે અને તે પાણીનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરવામાં આવે તો રાજ્યભરમાં પીવાના પાણીની તો શું સિંચાઈના પાણીની પણ સમસ્યા દૂર થઈ શકે તેમ છે.

ગુજરાતના અનેક વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ તંગી છે, તેવામાં સિંચાઈના પાણીની વાત તો સ્વપ્ન સમાન થઈ ગઈ છે.

બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રીઓ અને ઉપમુખ્ય મંત્રીઓ અત્યાર સુધી લોકોને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપતા આવ્યા છે. પરંતુ અત્યાર સુધી પાણીના પ્રશ્નને ઉકેલવા માટે કોઈ જ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી.

ચૂંટણી જીતવા સરકારે શું કરવું પડશે

ગુજરાત સરકાર ખેડૂતોની તળાવ ભરવાની એક સર્વસામાન્ય માંગણીને નજરમાં રાખીને અત્યારથી જ કામગીરી શરૂ કરી દે તો ગુજરાતની જનતા બે હાથે સરકારને વોટ આપીને આગામી ચૂંટણીમાં જીતાડી દેશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી.

ઉલ્લેખનિય છે કે, ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ચૂંટણીના બહિષ્કારની હાંકલ કરી છે અને બીજેપીના નેતાઓને ગામડાઓમાં પ્રવેશ ના કરવા દેવાની વાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ઉત્તર ગુજરાતના ગામડાઓના બીજેપીને પ્રવેશ પણ મળી શકે તેમ નથી તેવામાં વોટ ક્યાંથી મળશે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે પાણી નહીં તો વોટ નહીં.

ઉત્તર ગુજરાતના ગ્રામીણ લોકોના વોટ મેળવવા હોય તો ધરોઈ અને મોકેશ્વર જેવા ડેમોમાં આવેલા નવા નીરનો ઉપયોગ આસ-પાસના નાના-મોટા તળાવો ભરવા માટે કરવો જોઈએ. જેની કામગીરીમાં જરાપણ વિલંબ કર્યા વગર અત્યારથી શરૂ કરી દેવામાં આવે તો ઉત્તર ગુજરાત સહિત રાજ્યના તમામ ખેડૂતોને સરકાર પર વિશ્વાસ બેસી શકે છે.

સ્વભાવિક છે કે, જે-તે વિસ્તારના તળાવો ભરાશે તો ગામઠણ અને જમીન તળના પાણી ઉંચા આવશે તો બોરવેલ અને કુવાઓમાં પાણી આપો-આપ ઉપર આવી જશે. તેવામાં પીવાના પાણીની જ નહીં પરંતુ સિંચાઈના પાણીની પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

હાલમાં ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે, તેથી તે પાણી બેકાર વહી જઈ રહ્યું છે. પરંતુ તે પાણીને નજીકમાં આવેલા વરસંગ તળાવ અને ચિમનાબાઈ તળાવમાં નાંખવામાં આવે તો પાંચ લાખથી પણ વધારે લોકોના જીવન સ્તર સુધરી શકે છે. તેવામાં વિચારો કેટલા લોકો ખુશી-ખુશી બીજેપીને વોટ આપી શકે છે.

જણાવી દઈએ કે, સતલાસણા તાલુકાના ટીંબા અને ભીમપુર ગામની વચ્ચે આવેલ વરસંગ તળાવમાં ધરોઈ આધારિત પાણી છોડી રુપેણનદીમાં વહેતું કરવાની માંગણી આસપાસના ગામના ખેડૂતો વર્ષોથી વારંવાર કરતા આવ્યા છે.

આ મામલે છેલ્લા કેટલાય સમયથી કોઈ નિર્ણય લેવામાં ન આવતાં ખેડૂતો લાલઘૂમ થયાં છે. પરિણામે ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી પાણી નહીં તો વોટ નહીંની ચિમકી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય પણ કર્યો છે.

તેથી ગુજરાત સરકારને ચૂંટણી પહેલા જ ઉત્તર ગુજરાતના લોકોને ખુશ કરીને તેમના વોટ મેળવવા માટે એક અદ્દભૂત તક મળી ગઈ છે. અત્યાર સુધી સરકાર ખેડૂતોને કહેતી આવી છે કે, ડેમોમાં પાણી નહોવાથી તેઓ તળાવ ભરી શકતા નથી પરંતુ આ વખતે સારા એવા વરસાદે રાજ્યના તમામ ડેમ ઓવરફ્લો કરી નાંખ્યા છે, તેવામાં સરકાર પાસે કોઈ જ બહાનું પણ બચ્યું નથી.

જો સરકાર વર્તમાનમાં ઉત્તર ગુજરાતના નાના-મોટા તળાવોને ભરવાના શરૂ કરે છે તો રાજ્યભરમાં તેની સકારાત્મક અસર થશે અને તેનો સીધો ફાયદો પાર્ટીને 2022ની ચૂંટણીમાં ચોક્કસ રીતે થશે. કેમ કે ગુજરાતમાં મોટાભાગની આબાદી ખેતી અને પશુ-પાલન સાથે જોડાયેલી છે. તે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તો તેઓ જાત-મહેનત કરીને પોતાની આર્થિક સ્થિતિ બદલાવામાં વાર લગાવશે નહીં.

પાણીની સમસ્યા દૂર થશે તો આર્થિક રીતે સદ્ધરતા આવશે

જ્યારે ખેડૂતોના ખિસ્સામાં પૈસા આવશે તો ત્યાંથી તમામ લોકો પાસે વિતરીત થશે. ભારતીય અર્થતંત્ર માટે ખેડૂત રિઢની હડ્ડી સમાન છે અને તે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે, જ્યારે તેના પાસે પૈસા આવશે તો તેની ખરીદ શક્તિ વધશે અને તેનાથી બજારની પણ રોનક વધી જશે. આમ એક આખું ચક્ર ગતિમાન થઈ જશે જે આખા ગુજરાતના અર્થતંત્રને વેગવંતુ બનાવી દેશે.

તેથી ગુજરાત સરકારને ઉત્તર ગુજરાતથી તળાવ ભરવાની એક નાની એવી શરૂઆત કરવાની જરૂરત છે. તે શરૂઆત જોત-જોતામાં આખા ગુજરાતમાં પાણીના રેલાની જેમ ફેલાઈ જશે. આપણી પાસે માં નર્મદા છે, જે ગુજરાતના નાના-મોટા તળાવોને ભરવા માટે સક્ષમ છે. માત્ર તે દિશામાં કામ કરવાની જરૂરત છે.

શું સરકાર નર્મદાના નામે લોકોને દિવાસ્વપ્ન બતાવી રહી છે?

નર્મદાના પાણી ઉપરનો ભાર ઓછો કરવો હોય તો સરકારે જે-તે વિસ્તારમાં આવેલા નાના-મોટા તળાવોને ભરવાની કામગીરી કરવી જ પડશે. કેમ કે નર્મદા તે આખા ગુજરાતને સિંચાઈનું પાણી પુરૂ પાડે તેવી વાત કરવી બેઇમાની ગણાશે. તેથી અત્યાર સુધી સરકાર નર્મદાના નામે ગુજરાતીઓને દિવાસ્વપ્ન બતાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

જયનારાયણ વ્યાસે બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 13 શહેરો અને 14 હજાર કરતાં વધારે ગામડાં નર્મદાનું પાણી પીવે છે. નર્મદા યોજનાના કારણે પીવાના પાણીની તંગી કંઈક હળવી થઈ છે, પરંતુ તે સંપૂર્ણ ઉકેલ નથી.

જયનારાયણ વ્યાસે પોતાના બ્લોગમા પણ લખ્યું છે કે- નર્મદા યોજના ગુજરાત માટે અખૂટ પાણીનો ભંડાર છે એ વાત મગજમાં હોય તો કાઢી નાખવી પડે. આમ નર્મદા ઉપર ભારણ ઓછું કરવું હોય તો ગામડા લેવલે આવેલા નાના તળાવોને ભરવાથી જમીનનું જળસ્તર ઉંચુ લાવી શકાશે અને પાણીના પ્રશ્નનું કાયમી ઉકેલ લાવી શકાશે.

ઉદાહરણ તરીકે જોઈએ તો ઉત્તર ગુજરાતમાં આવેલા ચિમનાબાઈ સરોવરને સંપૂર્ણ ભરવું હોય તો ધરોઈ ડેમમાં ભયનજક સપાટી આવે ત્યારે તેના દરવાજા ખોલી નાંખવામાં આવે છે અને તે પાણી બેકાર વહી જાય છે પરંતુ તેની જગ્યાએ તે પાણીને ચિમનાબાઈ સરોવરમાં નાંખવામાં આવે તો માત્ર દસ કલાકમાં તે ભરાઈ જશે અને એક મોટા વિસ્તારના લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેથી લાખો લોકોના જીવનમાં ટૂંક જ સમયમાં એક આમૂલ પરિવર્તન જોવા મળશે.

જયનારાયણ વ્યાસ અનુસાર ગુજરાતનું જળસંકટ વિકટ સમસ્યા બની રહ્યું છે અને બનવાનું છે ત્યારે એ ભ્રમણાથી બહાર આવીએ કે નર્મદા બધા પ્રશ્નોનો એકમાત્ર ઈલાજ છે અને આપણે એ સાધી લીધો છે.

તેથી આગામી ચૂંટણી પહેલા જ ભાજપ સરકાર પાણીની વિકટ સમસ્યાને દૂર કરવાનું શરૂ કરી દે છે તો તેને 2022ની ચૂંટણી જીતતા કોઈ જ રોકી શકે નહીં. આમ બીજેપી પાસે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જીતવાની સોનેરી તક સામે ચાલીને આવી છે, તેને ઝડપી લેવી જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat