Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વિશ્વના અનેક દેશોએ કોરોનાને લઈને પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો, તે અંગે શું કહે છે નિષ્ણાત અને WHO

વિશ્વના અનેક દેશોએ કોરોનાને લઈને પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો, તે અંગે શું કહે છે નિષ્ણાત અને WHO

0
62

દુનિયાભરમાં વિશેષરૂપે અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયમાં યુરોપીયન દેશોએ કોરોનાની સાથે જ જીવવાનું અને હવે કોરોનાને એક મહામારીના બદલે સામાન્ય ફ્લુ (એક પ્રકારની શરદી) માનીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. સ્પેનની સરકારે કોરોનાને એક સામાન્ય ફ્લુ માની લીધો છે અને લોકોને તેની સાથે જીવવાની અપીલ કરી છે.

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે લોકો માટે માત્ર માસ્ક જ નહીં, રસીની અનિવાર્યતા પણ હટાવી દીધી છે. યુરોપના અન્ય દેશો પણ સ્પેનને અનુસરી રહ્યા છે. ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ મળ્યો હતો તે દક્ષિણ આફ્રિકાએ પણ કોરોના સંબંધિત નિયંત્રણો દૂર કરી દીધા છે. દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટે યુરોપની સ્વાસ્થ્ય સુવિધાઓને ખુલ્લી પાડી દીધી છે.

દુનિયામાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે એવામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે મહામારીકાળમાં મૂકવામાં આવેલા બધા જ પ્રતિબંધો હટાવીને દેશમાં સામાન્ય જનજીવન પાછું લાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે હવે લોકોને કોરોના સાથે જીવવાનું અનુકૂળ બનાવવા પર ધ્યાન આપ્યું છે.

તેમના અનુસાર તેઓ મહામારીના ખતમ થવાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સ્પેનની જેમ અન્ય યુરોપીયન દેશો પણ કોરોના સંબંધિત પ્રતિબંધો દૂર કરી રહ્યા છે. યુરોપીયન સરકારોની વ્યૂહરચનામાં એક નવી ક્રાંતિ આવી રહી છે. બ્રિટિશ શિક્ષણ મંત્રી નધિમ ઝહાવીએ જણાવ્યું કે, બ્રિટન હવે પેન્ડેમિકમાંથી એન્ડેમિક તરફ આગળ વધી રહ્યું છે.

સ્પેનમાં ઓમિક્રોનના કેસ વિક્રમી સ્તરે વધવા છતાં હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુદરમાં ઘટાડો આવતા સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, યુરોપ હવે મહામારીના પ્રતિબંધોથી આગળ વધીને સામાન્ય જીવન જીવવા તરફ આગળ વધી રહ્યું છે. સ્પેન પછી આયર્લેન્ડમાં પણ કેસ વધવા છતાં સ્વૈચ્છિક રસીકરણ સિસ્ટમ બનાવાઈ રહી છે.

સરકાર હવે લોકોને રસીકરણ કરાવવું કે નહીં તેનો નિર્ણય જાતે કરવાનો અધિકાર આપવા માગે છે. આ સિવાય અનેક દેશોએ ક્વોરન્ટાઈન સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત જરૂરી સેવાઓ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકાયો નથી. ચેક રિપબ્લિકે તાજેતરમાં જ આઈસોલેશનનો સમય બે સપ્તાહથી ઘટાડીને પાંચ દિવસ કર્યો છે. ડેન્માર્કમાં પણ પ્રતિબંધો હટાવાયા છે અને માસ્કને જરૂરી માનવામાં આવતો નથી. નેધરલેન્ડની સરકારે પણ આવો જ નિર્ણય લીધો છે.

બ્રિટિશ સરકારે ભવિષ્યમાં કોરોના વાઈરસ સાથે જીવવાની તૈયારીઓના ભાગરૂપે ભારત સહિત વિશ્વભરના દેશોમાંથી આવતા અને રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓ માટે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. યુરોપમાં પ્રવાસીઓના ટેસ્ટ કરવાનું બંધ કરનાર બ્રિટન પહેલો દેશ છે.

સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ યુકેના પરિવરન મંત્રી ફેબ્રુઆરીમાં સ્કૂલની રજાઓના સમયમાં બ્રિટન આવનારા બધા જ પ્રવાસીઓ માટે કોરોના પરીક્ષણો દૂર કરવાની તરફેણ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી લોકોના હજારો પાઉન્ડ બચી જશે અને પ્રતિબંધોના કારણે નુકસાનનો સામનો કરનાર પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર ઓમિક્રોન વેરિઅન્ટ સૌથી પહેલાં મળ્યો હતો તે દેશ દક્ષિણ આફ્રિકાએ પણ કોરોના મહામારી સંબંધિત સરકારી નીતિઓમાં ફેરફાર કર્યા છે. દક્ષિણ આફ્રિકામાં હવે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવી અને તેમને ક્વોરન્ટાઈન કરવાનું બંધ કરી દેવાયું છે. સરકાર લોકડાઉનની તરફેણમાં પણ નથી.

દક્ષિણ આફ્રિકાની સરકારનું માનવું છે કે લોકડાઉન, કોરોના સંબંધિત પ્રતિબંધોથી અર્થતંત્ર, રોજગારી અને સમાજના અન્ય પાસાઓ પર પરોક્ષરૂપે અસર પડે છે. પરિણામે તેમની સરકાર હવે વૈશ્વિક સ્તરે ચાલતી નીતિઓનું આંધળુ અનુકરણ કરવાના બદલે સ્થાનિક સ્તરે શક્ય ના હોય તેવા નિયમોનો અમલ કરવાનું બંધ કરશે.

શું શાળાઓ બંધ રાખવી જોઈએ?

કોરોના મહામારીની વચ્ચે શાળા બંધ રાખવા અંગે વિશ્વ બેંકના શિક્ષણ નિર્દેશક જૈમે સાવેદરાએ અનેક પ્રશ્રો ઉઠાવ્યા છે. સાવેદ્રાએ વોશિંગ્ટનમાં સમાચાર એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે શાળાઓ ફરીથી ખોલવા માટે બાળકોનું વેક્સિનેશન પૂર્ણ થવાની રાહ જોવાની જરૂર નથી અને શાળાઓ બંધ રાખવા પાછળ કોઇ વૈજ્ઞાાનિક કારણ નથી.

શાળાઓ ચાલુ રાખવાથી બાળકોને આરોગ્યને જેટલું નુકસાન થઇ રહ્યું છે તેનાથી અનેકગણું વધારે નુકસાન શાળા બંધ રાખવાથી થઇ રહ્યું છે. મહામારી દરમિયાન ભારતમાં બાળકોની લર્નિંગ પુવર્ટી 55ટકાથી વધીને 70 ટકા થઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે એવા કોઇ પુરાવા મળ્યા નથી કે શાળાઓ ફરીથી ખોલવાથી કોરોનાના કેસોમાં વધારો થયો છે અને શાળા સુરક્ષિત સ્થાન નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાહેર નીતિના દ્રષ્ટિકોણથી બાળકોના વેક્સિનેશન સુધી રાહ જોવાનો કોઇ અર્થ નથી કારણકે તેની પાછળ કોઇ વૈજ્ઞાાનિક આધાર નથી.

શાળાઓ ખોલવા અને કોરોનાના પ્રસાર વચ્ચે કોઇ સંબધ નથી. બંનેને જોડવાને કોઇ પુરાવા નથી અને હવે શાળાઓને બંધ રાખવાનું કોઇ ઔચિત્ય નથી. કોરોનાની લહેર ચાલતી હોય તો પણ શાળાઓ બંધ રાખવી અંતિમ ઉપાય નથી. તેમના જણાવ્યા અનુસાર રેસ્ટોરન્ટ, બાર અને શોપિંગ મોલને ખુલ્લા રાખવા અને શાળાઓ બંધ રાખવાનો કોઇ અર્થ નથી.

2020થી આપણે અજ્ઞાાનતાના સમુૂદ્રમાં આગળ વધી રહ્યાં છે. અત્યાર સુધી આપણને એ ખબર નથી કે મહામારીનો સામનો કરવાનો યોગ્ય ઉપાય શું છે. વિશ્વના મોટા ભાગના દેશોએ કોરોનાકાળમાં શાળાઓ બંધ કરી દીધી છે. જો કે છેલ્લા બે વર્ષમાં એવા પુરાવા મળ્યા નથી કે શાળાઓ બંધ રાખવાથી કોરોનાના કેસો ઘટે છે અને શાળાઓ ચાલુ રાખવાથી કોરોનાના કેસો વધે છે.

આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાનું શું કહેવુ છે?

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું કહેવું છે કે ઓમિક્રોનનો પ્રસાર હજુ પણ સ્થિર થયો નથી. ડબલ્યુએચઓના સીનિયર ઈમર્જન્સી ઓફિસર કેથરીન સ્મોલવૂડે જણાવ્યું કે, આપણે હજુ પણ ભારે અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા છીએ. વાઈરસ હજુ પણ ઝડપથી વિકસી રહ્યો છે. નવા પડકારો સામે આવી રહ્યા છે. આપણે હજુ એવી સ્થિતિમાં નથી, જ્યાં મહામારીને એક વિસ્તાર સુધી સીમિત બીમારી જાહેર કરી દેવામાં આવે.

નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના અને ફ્લૂના લક્ષણોની ગંભીરતા માણસના સ્વાસ્થ્યની દૃષ્ટિએ નિશ્ચિત થાય છે. અનેક ગંભીર બાબતોમાં બંને ઈન્ફેક્શન લોવર રેસ્પિરેટરી સિસ્ટમમાં ફેલાઈ શકે છે અને ન્યુમોનિયા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat